Wednesday, November 30, 2016

તેજલ પ્રજાપતિ

કેટલીય વાર તને પામતા પામતા મે ખુદને ખોઇ છે,
દર્દ મા જજૂમતી આંખો મારી પારાવાર રોઇ છે.

શું મળી ગયું હશે એને પણ આજમાઇશોથી???
સ્મિત રેલાવી ખાસી વાર આંખો એણે ધોઇ છે.

ચાહત તો ત્યાં ને અહીંયા, બધે સરખી જ હતી,
બસ એક ગલતફેહમીએ મે એને, અેણે મને ખોઇ છે.

નિંદર તો ચોરાઇ જ જાય છે, આ પ્રેમ ની વાતો માં,
રાતભર ભલે ને જાગે એ, મારા સ્વપ્નોમાં સોઇ છે.

હૌંસલો તો બુલંદ છે મારો ને ઉમ્મીદ કદીય છોડી નહીં,
મનાવતાં મનાવતાં ખુદને જ મે તારા માં મોઇ છે.

-તેજલ પ્રજાપતિ

Tuesday, November 29, 2016

ભાવિક ધમલ "ઇસુનંદ"

સાહિત્ય નું ઓછું છે જ્ઞાન છતાં લખવાનો પ્રયાસ કરું છું,
કલમ થકી કાગળ ને કંડારવાનો પ્રયાસ કરું છું.

મને તો ફક્ત કક્કો લખવો જ  ફાવે છે,
ઉધાર લીધા છે શબ્દો ને આભ ને શણગારવાનો પ્રયાસ કરું છું.

નથી હું તો એટલો હજુ કાબિલ "ઈસુનંદ",
પ્રયત્ન થકી નભ ને ચુમવાનો પ્રયાસ કરું છું.

સાથી છે, મિત્રો છે, ને છે ઘણી જૂની યાદો ,
લખતા લખતા બસ બચપણ ની યાદો ને તાઝા કરું છું.

ક્યાંય ખામી હોય તો ચલાવી લેજો દોસ્તો,
નમણી છે આંખો, ને સુરજ સાથે ચમકવાની કોશિશ કરું છું.

આ નાની અમથી રજુઆત કરી છે આપની સમક્ષ,
કાગળ ને કલમ ના પ્રેમ નો તાગ મેળવવાનો પ્રયાસ કરું છું.

- ભાવિક ધમલ "ઇસુનંદ"

આંટોફેરો કરતાં રહેજો - સ્નેહી પરમાર

જીદ નથી કે આ પિંજરમાં આંટોફેરો કરતાં રહેજો
પણ માંહેના અજરામરમાં આંટોફેરો કરતાં રહેજો

સુજ્ઞ જીવજી ! ગોકુળ જાજો, મથુરા જાજો, પણ એ સાથે
જત લખવાનું કે : ભીતરમાં આંટોફેરો કરતાં રહેજો

રોકાવાની ફુરસદ ના હો , તો ઝાઝું ના રોકાશો પણ
શ્વાસોની આ અવરજવરમાં આંટોફેરો કરતાં રહેજો

આજુબાજુની શેરીમાં અજવાળું અજવાળું કરતાં
સપનાંઓ ! મારા બિસ્તરમાં આંટોફેરો કરતાં રહેજો

હોય અધૂરા, પૂરા કરજો ; પૂરા હોય તો પરગટ કરજો
" સ્નેહી " ના અર્ધા અક્ષરમાં આંટોફેરો કરતાં રહેજો
- સ્નેહી પરમાર

(" યદા તદા ગઝલ " માંથી સાભાર )
ફરમાઇસ કરનાર - દિપક બગડા

Sunday, November 27, 2016

અલગોતર રતન "નિરાશ"

છૂપાવી એટલે રાખું જખમ ,
કદી તું આવશે લઇને મલમ.

અમારું દિલ ગયાં ચોરી તમે,
કર્યો ગુન્હો; લગાવું કઈ કલમ?

પુરી લખતાં ગઝલ શીખ્યો નથી,
વિચારું છું લખું સારી નઝમ.

ખપીને સાચવીશું આવજો,
અમારો આશરાનો છે ધરમ.

જગત તારાં વિનાં પણ ચાલશે,
મમત તું છોડ; છોડી દે ભરમ.

નથી લખતાં વિધાતા લેખને,
લખે માણસ કરી જાતે કરમ.

નથી સીધાં બનીને જીવવું,
"નિરાશે" તો મૂકી દીધી શરમ.

           
- અલગોતર રતન "નિરાશ"

હેમશીલા માહેશ્વરી "શીલ"

ક્ષિતિજમાં ગોતા લગાવી
સૂરજે ઝડપી લીધી
મિલનની તક
સિંદૂરીવાઘામાં સજ્જ સંધ્યા
હરખાતી શરમાતી
માણવા લાગી એ પળોને
જેના ફળસ્વરૂપે એ જલ્દી
સગર્ભા પણ થઈ
સમાચાર વાયુવેગે પહોંચી ગયા
ચંદ્ર પાસે
તારા ભરેલ ઓઢણી લઈ
એ આવ્યો રાત ના સિંમતપ્રસંગમાં
તમરાઓ લાગી ગયા કામે , જશ્ન આખી રાત ઉજવવામાં
સાસરી- પિયર જેવા ઘડી પ્રહર
પોતપોતાના ભાગે ફરજો પૂરી કરીને
રાહ જોવા લાગ્યા આવનાર ખુશીની
રાત પીડાના ઉંહકારા કરતી
કટકો કટકો થવા લાગી
પ્રસવના છેલ્લા શૂળ ઉઠતા,એને હતું એટલું જોર કર્યુ. ને
મંદ મંદ મુસ્કાતું  નવજાત મળસ્કું
આપ્યું  જગતના હાથમાં રમવા

હેમશીલા માહેશ્વરી "શીલ"

કિનારો એક અફવા હોય શકે છે તુફાન માટે

કિનારો એક અફવા હોય શકે છે તુફાન માટે  
ને સહારો એક સ્વપ્ન હોય શકે સુકુન માટે

વિરાટની એક આશા સૂક્ષ્મ રૂપે રહી આજન્મ 
ત્રણ કદમ પૂરતા હોય શકે છે વામન માટે

ને ઝંઝીરો ગુલામીની રહી માનસિક સદાય 
આ શક્યતા પાંખોની ફફડતી રહી ગગન માટે

સુખી માણસનું પહેરણ શોધી રહ્યું છે હર કોઈ
જદ્દોજહદ થઇ આખી જિંદગી એક કફન માટે

નજરની શુષ્કતામાં રચાયું રણ ઇન્તજારમાં 
તરસતી રહી નજર ભીના ભીના સાજન માટે
 
અંતે "પરમ" પ્રાર્થના ફળી બિનશરતી પ્રેમમાં
ને "પાગલ" બની જાત પછી એક નમન માટે
- ગોરધનભાઇ વેગડ

ડૉ. મુકેશ જોષી

ઘણો થાક છે પણ અહેસાસ ક્યાં છે?
હજુ, જોઇએ જે, એ શ્વાસ ક્યાં છે?
- ડૉ. મુકેશ જોષી

મોરપિંચ્છ ટીમ તરફથી જન્મદિન મુબારક - સ્વ. રમેશ પારેખ સાહેબ

Download Morpichh App

ગિરધર ગુનો અમારો માફ...
તમે કહો તો ખડખડ હસીએં,
વસીએં આ મેવાડ
માર અબોલાનો રહીને
કળતો હાડોહાડ
સાવરણીથી આંસુ વાળી
ફળિયું કરિએ સાફ
મીરાં કે'પ્રભુ,દીધું અમને
સમજણનુ આ નાણું
વાપરવા જઇએ તો જીવતર
બનતું જાય ઉખાણું
પેઢી કાચી કેમ પડી છે
જેના તમે શરાફ ?
- રમેશ પારેખ

सज़ा

سزا یہ دی ہے کہ آنکھوں سے چھین لیں نیندیں
قصور یہ تھا کہ جینے کے خواب دیکھے تھے

सज़ा ये दी है कि आँखों से छीन लीं नींदें
क़ुसूर ये था कि जीने के ख़्वाब देखे थे

Amir Usmani

પહેલો પ્રમ......

જ્યારે પહેલી વાર કોઈ થી અનહદ પ્રેમ થાય છે ત્યારે એને પામવા ની ઈચ્છા આપણા માં ખૂબ જ વધી જાય છે.. આપણે એને પામવા માટે જીદ્દ પર ચડી જતા હોઈએ છીએ.. કશું જ સમજવા તૈયાર નથી થતા.. જેમ તેમ કરી ને બસ આપડે તો એને જ પામવું છે..  ગમે તે કરી ને એ વ્યક્તિ ને આપણે પામવા માટે તરફડીયા મારવા લાગીયે છીએ...
પણ જ્યારે બધું જ કરવા છતાં પણ એ માણસ જ્યારે આપણા હાથ માં થી છૂટી જાય છે.. અને ખૂબ જ રડ્યા પછી, તૂટ્યા પછી, વિખરાયા પછી ખુદ ને સંભાળી લો છો.. ત્યારે તમે પ્રેમ સંબંધો ને લઈને  બહુ લા-પરવાહ અને સામાજિક સંબંધો ને લઈને સમજદાર થઈ જાઓ છો..
અને પછી આપડે એવા વ્યક્તિ થી જોડાયીયે છીએ જેની સાથે આપણે આપણું ભવિષ્ય દેખવા લાગીયે છીએ... જે દિલ ની ફિક્વસીસ થી વધુ મગજ ના માપદંડો ને આધારિત હોય છે...
મગજ ના માપદંડો ઉપર ખરા ઉતારનાર વ્યક્તિ મળવા થી આપણે ખુશ તો હોઈએ છીએ, પણ પેલી દિલ ની ફિક્વસીસ નથી મળતી,
પછી આપણ ને બધું જ મળી રહે છે.. પણ પ્રેમ નથી મળતો કેમ કે મગજ ના માપદંડો માં ભૌતિક સુખ હોય છે ભવિષ્ય સારું હોય છે, પણ જે જીવવા માટે નું ટ્યુનિંગ જોઈએ એ નથી હોતું..
અને આવા સંબંધો અધૂરા હોય છે.. એમાં વધુ પડતી પરવાહ નથી હોતી.
જે કદાચ તૂટી જાય તો પણ વધુ અફસોસ નથી હોતો.. અને પેલા પહેલા પ્રેમ સંબંધ જેટલી તકલીફ પણ નથી પડતી.
હા પણ જરા દુઃખ જરૂર થાય છે..
               

Saturday, November 26, 2016

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની જન્મદિવસે એમના જ સર્જેન અંશો દ્વારા શ્રદ્ધાંજલિ…

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની જન્મદિવસે એમના જ સર્જેન અંશો દ્વારા શ્રદ્ધાંજલિ…

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

મને ફૂલો ની જેમ ના સવાલ કર
મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!!

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું

એકલતા બીજુ નામ છે જીવતરના બોજ નુ
તું આવે તો આ બોજ ને અળગો કરી શકાય

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજ-કાલ
રહેતું'તું કોણ? લાવ, જરા યાદ કરી જોઉં.

આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ.

બુઢાપો કડવો છે ? તો લે આ બચપણની ચાસણી
ડૂબી શિશુમાં સ્વાદને મીઠ્ઠો કરી શકાય

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે કંઈક
આ પત્થરોને કંઈક તો થાતું હશે…

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?

ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.

તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !

તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.

કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.

સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ

રમેશ પારેખ

અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

– અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’

શીતલ ગઢવી"શગ"

કોણ છું ક્યાં છું ! દિશા ભુલ્યો નવો હું સાર્થ છું.
ભાર વેઢી ઘૂમતો એવો કિશનનો પાર્થ છું.

રોજ ઘૂંટયો જાતને કોરા સુકાયા શ્વાસમાં,
સાવ ખોટા ઉચ્છવાસો પૂરતો પુરુષાર્થ છું.

દ્રઢ નિર્ણયથી ઉભો અજગર થયો મારગ બની,
લઇ કુહાડી ઘા કર્યો કઠિયારનો હેતાર્થ છું.

જાતને મૂકી સમજ લેવા જગતના એરણે,
કાનમાં આવી કહેતા સૌ તું તારો સ્વાર્થ છું.

કંટકોમાં પણ રહ્યો સુમન સમો નિર્મળ થઈ,
જાણીને કંઠે ધર્યું વખ આજ તો પરમાર્થ છું.

-શીતલ ગઢવી"શગ"

બેફામ

ખુદ્દાર માનવીને બીજું શું ભલા મળે,
દુઃખ એવી ચીજ છે કે જે માગ્યા વિના મળે…

પ્રેમાળ માનવીની જરૂરત છે, ઓ હ્રદય,
જો એ નહીં તો કોઇ ભલેને બીજી મળે…

છે આ દશા વફાને લીધે, પ્રેમથી જુઓ,
હું ચાહતો નથી કે તમારી દયા મળે…

તુરબત મળી જવાબમાં, માગ્યું હતું અમે,
ઇર્ષ્યા ન થાય કોઇને એવી જગા મળે…

બેફામ જીવતાં જ જરૂરત હતી મને,
શો અર્થ છે, મરણની પછી જો ખુદા મળે…
- બેફામ

ચાલો પે'લા માણસ થઈએ

ચાલો પે'લા માણસ થઈએ
એક મેક ની સાથે રહીએ.

ઓછામાંથી ઓછું લઈએ
પારેવાનું પીંછું થઈએ
થોડું થોડું વહેંચી લઈએ
ચાલો પે'લા માણસ થઈએ.

મારું તારું છોડી દઈએ
ગઝવા થોડા ખોલી દઈએ
હૈયે હૈયું જોડી દઈએ
ચાલો પે'લા માણસ થઈએ.

આંખોમાંથી આંસુ લઈએ,
હોઠોની મજબૂરી લઈએ,
ઈશ્વરને દેખાડી દઈએ
ચાલો પે'લા માણસ થઈએ.

અંધારાને સુરજ દઈએ,
ડૂબતાનું તો તરણું થઈએ
કેડી માથે ફૂલો થઈએ
ચાલો પે'લા માણસ થઇએ.

હાર્દ

તમે તો દર્દની મારા દવા છો.....

તમે તો દર્દની મારા દવા છો,
નહીં સ્પર્શી શકું એવી હવા છો.

પ્રણયની આ રસમ તો છે પુરાની,
વિચારીને કદમ માંડો ; નવાં છો.

મળ્યો ઉંડા તળે હું શોધવાથી,
નહીં ડરનાર સાચાં મરજીવાં છો.

સમય સાથે વધે ઉંમર ભલેને,
વિચારો એમ કે દિલથી યુવા છો.

તમારા છે ભરોસે નાવ મારી,
તમે હંકારનારા ખારવાં છો.

નશામાં હું ન બ્હેકી જાઉ એથી,
મને રસ્તો તમે દેખાડવાં છે.

"નિરાશા" માં નહીં ડૂંબું હવે તો,
મળેલાં હાથ પકડી તારવાં છે.

     
- અલગોતર રતન "નિરાશ"

Friday, November 25, 2016

Morpichh team vati masum modasavi saheb ne janmdivasni shubhkamnao..... Happy birthday

માસૂમ મોડાસવી
46, ફૈઝાન પાર્ક
કોલેજ-કસ્બા રોડ,
મોડાસા383315
જિ,  અરવલ્લી.
શાયરી, સંગીત વાંચન ખેતિવાડી.
નૉન મેટ્રીક
બિખરતા વજુદ  (ઉર્દુ)
(2)ભીતરની ભીનાશ
(ગુ. ગ. સં. ગુ સા. અ. સહાય પ્રાપ્ત)
1)મુસ્લીમ રાયટર એકેડેમી
સન્માનિત )
2)સંસ્કાર ભારતી સન્માનિત.
3)વીરમાયા સ્મારક સમિતિ
સન્માન પ્રમાણપત્ર?
26, નવેમ્બર.

Thursday, November 24, 2016

પિનલ સતાપરા

જિંદગી  તણું  નવું દર્દ જો  મળી ગયું,
હાસ્યનું  તરંગ  કેવું   પાછું  વળી ગયું.

માર્ગની  કઠીનતા  મંજિલો સુધી મળી,
ને  પહોંચતાં  પહેલાં સ્વપ્ન છળી ગયું.

આહવાન  કર્યુ  'તું જિંદગીને માણવાં,
આ શરીર ખોખલું આમજ બળી ગયું.

ઓલવાઇ એ તહેવાર ની મજા બધી,
જે  નથી રહેવાનું પાસ એ કળી ગયું.

આજ દર્દ પણ ઘણાં રંગાઇ ગયા અહીઁ,
એજ શ્વાસથી વધું મુજમાં ભળી ગયું.

ઘા હતાં એનાં અણીદાર શૂળ સમ મિત્રો,
હાથમાં રહી અને કિસ્મતને ફળી ગયું.

આ કરામતો કરી છે જ ઇશ્વરે બધી,
અટકળોનું આ બહાનું જન્નત માં જળી ગયું.

-જ્ન્નત
પિનલ સતાપરા

પ્રીતમ લખલાણી

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !
-પ્રીતમ લખલાણી

ગીત.  ફેસબુક પર........ દેવેન્દ્ર ધમલ

ગીત.  ફેસબુક પર.
--------------------------------
છંદ :- ગાલગાગા
-------------------------------
ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત  વીતી જાય છે.

જેમ મરજીવો અહિં સાગર ઘણો ડોળે ભલા,
છોકરો પણ સર્ચ કરતાં ,છોકરી ખોળે ભલા,
આમ રિકવેસ્ટોને માટે છોકરો ખેંચાય છે

ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત  વીતી જાય છે.

રોજ કોમેન્ટો કરી ,ખુદને કરે અપલોડ એ,
કૈં ઇમેજો  શેર કરી, પુરા કરે છે કોડ એ,
લાઇક જો એની મળે તો, ભાઇ રાજી થાય છે.

ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત  વીતી જાય છે.

દુ:ખ ને ડિલિટ કરવા,ટેગ એ ગમગીન કરે,
સુખને એ સર્ચ કરવા ,રોજ એ લોગ ઇન કરે,
ચેટ કરવા જો મળે, સારો દિવસ એ જાય છે.

ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત  વીતી જાય છે.

              --  દેવેન્દ્ર ધમલ

આકાશ

તારા વગરની પળ
અને

પળ
પતંગીયાની જેમ
ઉછળકૂદ કરે
મારી સાથે દોડતી
મારી સઘળી
ઇચ્છાઓ
આમ મૌન રહે
પતંગીયાના  રંગો
ફૂલો
ખીલવે છે
પણ

ખીલેલા ફૂલો
સાંજ પડે
મારી ઇચ્છાઓ
સાથે................

                આકાશ

મરીઝ

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

– અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’

મિજાજી માશુકા............ હેમશીલા માહેશ્વરી "શીલ"

મિજાજી માશુકા

એ ઉતાવળમાં હતી
ન જાણે ક્યાં જવું હતું તે બસ
ભાગતી જતી હતી
હિમશીખર એના પગે પડી
આજીજી કરવા લાગ્યો. .તોએ
તુચ્છકાર ભર્યુ હસી એના
તળીયા ને આંગળીઓ
વચ્ચેથી સરકીને નીકળી ગઈ
વળતા જવાબ મળશે માની
પૂછ્યું પણ. .કે. ."ક્યા જઈશ. ?
શું કરીશ. ??
બેસ શાંતિથી...ગુસ્સો ન કર..
તારા ઉતારા સમેટી લે..થોડો શ્વાસ લે.."!
પણ કાંઈ ન સાંભળ્યુ ,ને કોઈ
બહાનું પણ ન બતાવ્યુ
બસ ભાગતી રહી. ..
ત્યાં સુધી કે રસ્તે આવતા
પથ્થરોની ઠેસને ચૂર-ચૂર કરી
કિનારાના વળાંકો ને અવગણી
સીધી લીટીમાં ભાગતી રહી. .
ફુલવાડીના ફુલોનો 
ગજરો બાંધવા ને બદલે
ખભે ઉપાડી
રસ્તા ને મેદાન અને
કેડી ને રસ્તો કરી
સાપની આંખે જોતી જોતી
સળવળાટ કરી ભાગી ...
ચાદર પણ ગંદી ગોબરી હતી
ને દેહ બિલકુલ ઠંડોગાર,
ચંદ્રની શિતળતા
ક્યાંક અટકી ગઈ હતી શરીર માં
પણ એને હમણા ફૂરસદ નહોતી
તડકે બેસી ટાઢ ઉડાડવાની ...
ભૂખીડાંસ એવી થઈ હતી કે
ખેતરને સુંડલો બનાવી
માથે ચડાવી લીધો, ને
ચાલતા ચાલતા જ ચાવવા લાગી
સમય ક્યાં હતો એની પાસે???
ગામને પાદર પહોંચી તો
આંગણું એને જોઈને હબકી ગયું
ને દોડીને રસોડામાં પેઠું
પાછળ-પાછળ બધી રમતો પણ
આવીને ચૂલાની ઓથે સંતાઈ ગઈ
બસ એક તોફાન હતું જે
મરક-મરક થતું ચૂપચાપ બેઠું હતું
ગામ ઝંખવાણું પડી ગયું
કોઈની હિંમત નહોતી
એની સામે થવાની..
બધું સ્થગિત થઈ ગયું
એ આવીને જતી પણ રહી
પાછળ-પાછળ  વાદળો ને
તેજ હવા પણ...
બહું ઉતાવળમાં હતી
એ નદી. ...

હેમશીલા માહેશ્વરી "શીલ"

Wednesday, November 23, 2016

फ़ाज़िल जमीली साहब

मैं अपने आप से आगे निकलने वाला था
सो ख़ुद को अपनी नज़र से गिरा के बैठ गया

- फ़ाज़िल जमीली साहब

વાદળાં યાદનાં આવતાં હોય છે....        અલગોતર રતન "નિરાશ"

વાદળાં યાદનાં આવતાં હોય છે,
આંખને એજ વરસાવતાં હોય છે.

ઓળખું છું છતાં છેતરાતો રહું,
તે જુદો ભાવ દરશાવતાં હોય છે.

એક પણ શબ્દ જે બ્હાર બોલે નહીં,
હુકમ ઘરમાં તે ફરમાંવતાં હોય છે.

લાગણીને જરા કાબૂમાં રાખજે,
જે ગમે એજ તરસાવતાં હોય છે.

જેમને પામવાં દોડતાં હો તમે,
ના મળી એજ તડપાવતાં હોય છે.

તોય બન્યો નહીં હું શરાબી હજી,
દોસ્ત તો રોજ શરમાવતાં હોય છે.

હાથની હોય થોડી કરામત અને,
જાદુગર આમ ભરમાવતાં હોય છે.

        અલગોતર રતન "નિરાશ"

ગઈકાલની કવિ શ્રી ભરતભાઈની તરહી પરથી મારી રચના....- શીતલ ગઢવી"શગ"

આજ અંધારું ચઢ્યું છે ઝાડ પર.
રાત સંગાથે લડયું છે ઝાડ પર.

ચાંદની આવી પ્હોંચી લઇ દિપક,
કોણ આડું આભડયું છે ઝાડ પર!

તારલામાં થ્યો છુપો સંવાદ શરુ,
ખાસ એવું શું પડ્યું છે ઝાડ પર.

આંખ ચોળી જાગતા ઊભાં વિહગ,
કોઈ આગંતુક રડ્યું છે ઝાડ પર.

થઇ વિરાગી બેઠુ એ વાદળ હસ્તુ,
વાટ નિરખી તે જડ્યું છે ઝાડ પર.

-શીતલ ગઢવી"શગ"