Thursday, November 24, 2016

મિજાજી માશુકા............ હેમશીલા માહેશ્વરી "શીલ"

મિજાજી માશુકા

એ ઉતાવળમાં હતી
ન જાણે ક્યાં જવું હતું તે બસ
ભાગતી જતી હતી
હિમશીખર એના પગે પડી
આજીજી કરવા લાગ્યો. .તોએ
તુચ્છકાર ભર્યુ હસી એના
તળીયા ને આંગળીઓ
વચ્ચેથી સરકીને નીકળી ગઈ
વળતા જવાબ મળશે માની
પૂછ્યું પણ. .કે. ."ક્યા જઈશ. ?
શું કરીશ. ??
બેસ શાંતિથી...ગુસ્સો ન કર..
તારા ઉતારા સમેટી લે..થોડો શ્વાસ લે.."!
પણ કાંઈ ન સાંભળ્યુ ,ને કોઈ
બહાનું પણ ન બતાવ્યુ
બસ ભાગતી રહી. ..
ત્યાં સુધી કે રસ્તે આવતા
પથ્થરોની ઠેસને ચૂર-ચૂર કરી
કિનારાના વળાંકો ને અવગણી
સીધી લીટીમાં ભાગતી રહી. .
ફુલવાડીના ફુલોનો 
ગજરો બાંધવા ને બદલે
ખભે ઉપાડી
રસ્તા ને મેદાન અને
કેડી ને રસ્તો કરી
સાપની આંખે જોતી જોતી
સળવળાટ કરી ભાગી ...
ચાદર પણ ગંદી ગોબરી હતી
ને દેહ બિલકુલ ઠંડોગાર,
ચંદ્રની શિતળતા
ક્યાંક અટકી ગઈ હતી શરીર માં
પણ એને હમણા ફૂરસદ નહોતી
તડકે બેસી ટાઢ ઉડાડવાની ...
ભૂખીડાંસ એવી થઈ હતી કે
ખેતરને સુંડલો બનાવી
માથે ચડાવી લીધો, ને
ચાલતા ચાલતા જ ચાવવા લાગી
સમય ક્યાં હતો એની પાસે???
ગામને પાદર પહોંચી તો
આંગણું એને જોઈને હબકી ગયું
ને દોડીને રસોડામાં પેઠું
પાછળ-પાછળ બધી રમતો પણ
આવીને ચૂલાની ઓથે સંતાઈ ગઈ
બસ એક તોફાન હતું જે
મરક-મરક થતું ચૂપચાપ બેઠું હતું
ગામ ઝંખવાણું પડી ગયું
કોઈની હિંમત નહોતી
એની સામે થવાની..
બધું સ્થગિત થઈ ગયું
એ આવીને જતી પણ રહી
પાછળ-પાછળ  વાદળો ને
તેજ હવા પણ...
બહું ઉતાવળમાં હતી
એ નદી. ...

હેમશીલા માહેશ્વરી "શીલ"

1 comment: