જીદ નથી કે આ પિંજરમાં આંટોફેરો કરતાં રહેજો
પણ માંહેના અજરામરમાં આંટોફેરો કરતાં રહેજો
સુજ્ઞ જીવજી ! ગોકુળ જાજો, મથુરા જાજો, પણ એ સાથે
જત લખવાનું કે : ભીતરમાં આંટોફેરો કરતાં રહેજો
રોકાવાની ફુરસદ ના હો , તો ઝાઝું ના રોકાશો પણ
શ્વાસોની આ અવરજવરમાં આંટોફેરો કરતાં રહેજો
આજુબાજુની શેરીમાં અજવાળું અજવાળું કરતાં
સપનાંઓ ! મારા બિસ્તરમાં આંટોફેરો કરતાં રહેજો
હોય અધૂરા, પૂરા કરજો ; પૂરા હોય તો પરગટ કરજો
" સ્નેહી " ના અર્ધા અક્ષરમાં આંટોફેરો કરતાં રહેજો
- સ્નેહી પરમાર
(" યદા તદા ગઝલ " માંથી સાભાર )
ફરમાઇસ કરનાર - દિપક બગડા
No comments:
Post a Comment