આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની જન્મદિવસે એમના જ સર્જેન અંશો દ્વારા શ્રદ્ધાંજલિ…
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.
મને ફૂલો ની જેમ ના સવાલ કર
મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!!
તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.
છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું
એકલતા બીજુ નામ છે જીવતરના બોજ નુ
તું આવે તો આ બોજ ને અળગો કરી શકાય
હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજ-કાલ
રહેતું'તું કોણ? લાવ, જરા યાદ કરી જોઉં.
આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ.
બુઢાપો કડવો છે ? તો લે આ બચપણની ચાસણી
ડૂબી શિશુમાં સ્વાદને મીઠ્ઠો કરી શકાય
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે
સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે કંઈક
આ પત્થરોને કંઈક તો થાતું હશે…
નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?
ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.
તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.
કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.
સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ
રમેશ પારેખ
No comments:
Post a Comment