Tuesday, December 6, 2016

હાર્દ

ફરી હું એકડો ઘુંટુ જીવનનો સાર પામીને,
સમયને જાણતા શીખ્યો, સમયનો વાર પામીને.

પહાડોથી ઉતરતી આ સરિતાને કદી પૂછ્યું?
મધુરું કેમ છે પાણી, શીલાનો માર પામીને.

નકામું હોય છે લોઢું, બનીને જડ જે બેઠું છે,
મળે છે સ્થાન કૈ નોખું, શરીરે ધાર પામીને.

હજારો હોય છે પથ્થર, પડેલા ધૂળના સ્થાને,
પૂજાતો હોય છે પથ્થર, અલગ આકાર પામીને.

સતાવે છે મરણ વેળા, અધૂરી હોય જે ઈચ્છા,
સજ્યો મેં વેશ સાધુનો, અડગ વિચાર પામીને.

હાર્દ

No comments:

Post a Comment