Saturday, November 19, 2016

ક્યાં સુધી હું ચર્ચુ એ ખામોશ પૂનમ રાતને, ચાલ ત્યારે આજ પડતી મૂક આખી વાતને, - પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

ક્યાં સુધી હું ચર્ચુ એ ખામોશ પૂનમ રાતને,
ચાલ ત્યારે આજ પડતી મૂક આખી વાતને,

આમ ઉત્સુકતા હતી પ્હેલા મિલનની કલ્પને,
હું  હમેશા એ શરમથી ટાળતી શરૂઆતને,

હાથમાં લઇ હાથ બેઠા શર્મ ઢળતી પાંપણે,
કાચબાની જેમ હું સંકોરતી રહી જાતને,

ચાંદની વરસી રહી શીતળ ગગનથી રાતભર,
ખેરવી રહી શર્વરી નાજુક પારિજાતને,

રાતરાણીએ  મિચ્યાં લોચન જરાં જો ત્રસ્ત થઈ
શ્વાસ પુષ્પોનો તુષારી સ્પર્શતો પરભાતને

- પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

No comments:

Post a Comment