અશ્રુનો દરિયો તરી શકતો નથી,
સ્વપ્નને હું આંતરી શકતો નથી
ભાગ્યરેખા હોય ના તકદીરમાં,
હળ નવાં લઇ જોતરી શકતો નથી,
આભલે હો તારલાની ઓઢણી,
ચાંદને હું ચિતરી શકતો નથી
મૂર્તિ આરસની ઘડી છે ભીતરે,
શિલ્પ બીજું કોતરી શકતો નથી
મૌન અકળાવી રહ્યું છે આપનું
શબ્દને પણ ખોતરી શકતો નથી
લાગણીનું હિમ સમ ઝરણું ઠરે,
શિખરેથી નોતરી શકતો નથી
પાન પીળું ડાળને વળગી રહ્યું,
પાનખરને છેતરી શકતો નથી
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment