ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે,
ભઇ આમાં તો હસવા જેવું લાગે છે…
આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ,
આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે…
એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્યું મને,
મારામાં કંઇ દરિયા જેવું લાગે છે…
ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,
પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે…
આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે…
ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,
આમાં કંઇ અજવાળા જેવું લાગે છે…
- ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment