આંસુઓને નયન મળે ના મળે ફેર શું પડે!
લાગણીને સ્વજન મળે ના મળે ફેર શું પડે!
શ્વાસને કારણે ફકત લાગુ જીવિત હું પણ અહીં,
જિંદગીને જીવન મળે ના મળે ફેર શું પડે!
બાળતો મનને હું રહ્યો જિંદગી આખી તો પછી,
એક તનને દહન મળે ના મળે ફેર શું પડે!
ઝંખના તૃપ્ત ક્યાંય આ જિંદગીની તો થઇ નથી,
લાશને પણ કફન મળે ના મળે ફેર શું પડે!
ચાલ સર્જક હું ઊંચકી જાઉં સમશાનમાં હવે,
અર્થીને કોઈ જન મળે ના મળે ફેર શું પડે!
-ગૌતમ પરમાર "સર્જક",વડોદરા.
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-
No comments:
Post a Comment