સતત ઘટમાળમાં જીવાય છે, સાલું !
કહો કે કેટલું સમજાય છે, સાલું ?
આ હોવું તો છે ચકચકતી છરી જેવું,
એ જ્યારે ત્યારે વાગી જાય છે સાલું !
અચાનક ગાડી ઉતરી જાય પાટેથી,
કે જીવતરમાંયે એવું થાય છે સાલું !
નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું !
પથારી બાણ–શૈયા જેવી થઈ ગઈ છે,
નીરાંતે ક્યાં હવે ઉંઘાય છે સાલું !
નયન અંજાય એવાં બારી ઝળહળથી,
જે છે એવું તો ક્યાં દેખાય છે સાલું !
બળાપો જીંદગીનો ઠાલવું છું, દોસ્ત !
કે આવું એથી તો બોલાય છે, સાલું !
– મહેશ દાવડકર
No comments:
Post a Comment