Saturday, December 17, 2016

ગઝલ

કોણે કહ્યું  કે  કોઈપણ કારણ વગર  છોડી ગયો ?
ધોખા-દગા ઓછા હતા? તારું નગર છોડી ગયો.

પૂનમ સરીખો ચાંદ લઈ ઊગ્યો  હતો હું  આંગણે,
સૂરજ તરફ જોવું  પડે એવી અસર છોડી ગયો.

ખટકયો તને  જે અણગમો મારી વસંતી વાતનો,
કુંપળ કદી ફૂટે નહી એ પાનખર  છોડી ગયો.

ઝખ્મો બધા હું  પી ગયો છું  એ તને કયાં  છે ખબર?
કયારેક  તો પડશે ખબર એથી ખબર છોડી ગયો.

જેણે રડાવ્યો  જિંદગી એ ફૂલ લઈને આવશે,
'શિલ્પી' વફાની રાહમાં  ભીની કબર છોડી ગયો.

-  ' શિલ્પી '  બુરેઠા  (કચ્છ )

No comments:

Post a Comment