Sunday, December 11, 2016

આ તારો ત્રીજો કિનારો - જોશી નરેશ

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.

તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?

મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.

નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
- જોશી નરેશ

No comments:

Post a Comment